સાઉથના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી હાલ તેમની મહાકાવ્ય ફિલ્મ ‘વારાણસી’ ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ ભારતીય સિનેમામાં વાપસી કરનારી પ્રિયંકા ચોપરા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં હૈદરાબાદમાં શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ ફિલ્મનું પ્રમોશન આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ ચૂક્યું છે.
તાજેતરમાં રાજામૌલીએ અમેરિકન વેબસાઇટ ધ રેપ સાથેની વાતચીતમાં ફિલ્મ સાથે જોડાયેલા અનેક રસપ્રદ ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે ‘વારાણસી’માં અનેક વાર્તાઓ એકસાથે ગૂંથાયેલી છે, જેમાં ભારતીય મહાકાવ્ય રામાયણના તત્વો પણ સામેલ છે.
રાજામૌલીએ જણાવ્યું કે ફિલ્મમાં રામાયણનો એક વિશાળ એપિસોડ છે, જે ઘણા નાના ઉપ-એપિસોડથી બનેલો છે. આ આખો સીક્વેંસ લગભગ 25 મિનિટ લાંબો છે અને ફિલ્મમાં ફક્ત એક જ વાર જોવા મળશે. દિગ્દર્શકના કહેવા મુજબ, દરેક નાના ભાગનું શૂટિંગ અલગ ફિલ્મ બનાવવાની જેમ હતું, કારણ કે દરેક એપિસોડની લાગણી, ટેકનિક અને સર્જનાત્મક પડકાર અલગ હતા.
રામાયણ સીક્વેંસના શૂટિંગ અંગે રાજામૌલીએ સ્વીકાર્યું કે આ તેમના માટે સૌથી મુશ્કેલ અનુભવ રહ્યો. તેમણે કહ્યું કે આ ભાગનું શૂટિંગ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું અને આખી ટીમે પોતાની સંપૂર્ણ શક્તિ અને લાગણી તેમાં ઝોકી દીધી. જો કે, આ જ સીક્વેંસ તેમને સૌથી વધુ સંતોષ આપનાર સાબિત થયો.
ફિલ્મમાં મહેશ બાબુ ભગવાન રામથી પ્રેરિત પાત્રમાં જોવા મળશે. રાજામૌલીએ જણાવ્યું કે જ્યારે તેમણે મહેશ બાબુને આ અવતારમાં જોયા, ત્યારે તેમના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. ફિલ્મમાં મહેશ બાબુ ‘રુદ્ર’ નામના ગ્લોબેટ્રોટરનું પાત્ર ભજવશે, જે અલગ-અલગ સમયરેખાઓમાં મુસાફરી કરે છે.
‘વારાણસી’માં પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ખલનાયક તરીકે જોવા મળશે. આ મહાકાવ્ય ફિલ્મ 7 એપ્રિલે વિશ્વભરમાં IMAXમાં રિલીઝ થવાની છે અને પહેલેથી જ તેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Leave a Comment