
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આકાશી આફત વરસતા આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 3 લોકોના મોતની પુષ્ટી થઇ ચૂકી છે.
જ્યારે અન્ય ચાર લોકો હજુ ગુમ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો દટાયેલા હોવાની આશંકા છે.
આ વખતે ક્યાં આભ ફાટ્યું?
તંત્રનું કહેવું છે કે અનેક મકાનો અચાનક આવેલા પૂરમાં ધોવાઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અનેક રસ્તાઓ પણ ધોવાઈ જતાં લોકોને અવર-જવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રામબનના રાજગઢ વિસ્તારમાં આભ ફાટ્યાની ઘટના બની હતી.
પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પ
રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળમાં દટાઈ ગયેલા અને નદી અને માટીના વહેણમાં ફસાઈ ગયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે વધારાની રેસ્ક્યુ ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત વરસાદને કારણે રેસ્ક્યુમાં પણ તકલીફ પડી રહી છે કેમ કે નદીના જળસ્તરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. લોકોને સાવચેત રહેવા તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
વાદળ ફાટવું એટલે શું?
ભારતીય હવામાન વિભાગના મતે, વાદળ ફાટવાની ઘટના એ એક ઘટના છે જ્યારે એક કલાકમાં નાના વિસ્તારમાં (20-30 ચોરસ કિલોમીટર) 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે છે. આ ઘટના ઘણીવાર પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે ચોમાસાના ભેજવાળા પવન પર્વતો સાથે અથડાય છે અને ઉપર આવે છે,
ત્યારે તે ઠંડા પડી જાય છે અને ગાઢ વાદળો બનાવે છે. જ્યારે પાણીનું વજન અસહ્ય બની જાય છે, ત્યારે તે અચાનક ભારે વરસાદના રૂપમાં પડે છે. આ અચાનક વરસાદ થોડીવારમાં જ અચાનક પૂર, ભૂસ્ખલન અને કાદવના પ્રવાહ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે આબોહવા પરિવર્તનને કારણે આવી ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા બંને વધી રહી છે.