રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈશાન કિશને પોતાની તોફાની બેટિંગથી આખો માહોલ બદલી નાખ્યો. ન્યૂઝીલેન્ડ સામે 209 રનના કઠિન ટાર્ગેટનો પીછો કરતા ભારતે શરૂઆતમાં માત્ર 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ જે થયું તે આધુનિક ટી20 ક્રિકેટનું ઉત્તમ ઉદાહરણ બન્યું.
મુશ્કેલ પરિસ્થિતિમાં ઈશાન કિશને 32 બોલમાં 76 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ઈશાનની આ વિસ્ફોટક બેટિંગે મેચને સંપૂર્ણપણે ભારત તરફ વાળી દીધી અને તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો.
ત્રીજા વિકેટ માટે ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ વચ્ચે માત્ર 49 બોલમાં 122 રનની અદભૂત ભાગીદારી થઈ. નવમા ઓવરમાં ભાગીદારીની સદી પૂરી થઈ ત્યારે SKY પાસે ફક્ત 19 રન હતા, છતાં બાદમાં તેણે 37 બોલમાં અણનમ 82 રનની ક્લાસી ઇનિંગ્સ રમી.
મેચ બાદ સૂર્યકુમાર યાદવે ઈશાનની ખુલ્લેઆમ પ્રશંસા કરતા મજાકિયા અંદાજમાં કહ્યું,
“મને ખબર નથી કે ઈશાને બપોરે શું ખાધું હતું, પરંતુ આવી બેટિંગ મેં કોઈની નથી જોઈ.”
તેને સ્વીકાર્યું કે પાવરપ્લે દરમિયાન સ્ટ્રાઈક ન મળવાથી તે થોડો નારાજ હતો, પરંતુ ઈશાનની બેટિંગ જોઈને તેને પૂરો વિશ્વાસ હતો કે તક આવશે.
આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલ બાદ ભારતે રમેલી 31માંથી 26 મેચ જીતીને 2026 ટી20 વર્લ્ડ કપ પહેલા વિરોધી ટીમોને સ્પષ્ટ અને કડક સંદેશ આપી દીધો છે.


Leave a Comment