Surat News : તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલને નિશાન બનાવ્યા, CCTVમાં થયા કેદ

સુરતના મહીધરપુરા વિસ્તારમાં, તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલોને નિશાન બનાવી ચોરી કરી છે. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોરી કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં પણ કેદ થયા છે. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બે તસ્કરોની ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
ચોરીની ઘટનાની વિગતો
મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા આઠ અલગ-અલગ ગણેશ પંડાલોમાં ગઈ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ જેવી વસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
એક પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત પણ કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોની લાગણી દુભાઈ છે. ચોરીની આ ઘટના રાત્રે બે વાગ્યા બાદ બની હતી, જ્યારે પંડાલોમાં લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી.
પોલીસ અને નેતાઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ધારાસભ્યો અરવિંદ રાણા અને કાંતિ બલર, તેમજ પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને પકડવા માટે તપાસ શરૂ કરી છે.