ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી.
તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’ નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં પણ જોડાયા છે.
ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણા રોડ શો પણ કર્યા હતા. રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દર છ વર્ષે એક વખત ભાજપ દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં બીજી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રાથમિક સદસ્ય તરીકે અભિયાનની શરૂઆત કરાવી હતી. 2 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. રાજ્યના દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત જ જાડેજા દંપતીએ ભાજપની સદસ્યતા લીધી છે.
રીવાબાના નંણદ સાથે મતભેદ, રવિન્દ્રનો રાજકારણમાં પ્રવેશ
૨૦૨૧માં જાડેજાની બહેન નયનાબાનો તેની ભાભી રીવાબા સાથે વિવાદ થયો હતો. ત્યારે નયનાબા કોંગ્રેસના રાજકારણમાં સક્રિય હતાં, જ્યારે રીવાબા બીજેપીના રાજકારણમાં જોડાયાં હતાં. આ ઉપરાંત રીવાબા એ સમયે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખપદે હતાં. ત્યારે રાજકીય કાર્યક્રમને કારણે નંણદ-ભાભી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રીવાબા જાડેજાએ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા, પરંતુ એ લોકોએ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા. આ સંદર્ભે નયનાબા જાડેજાએ ઝાટકણી કાઢી હતી અને બોલાચાલી થઈ હતી.
ટીમ ઇન્ડિયા માટે 69 ટેસ્ટ, 197 વન-ડે અને 66 ટી20 મેચ રમી ચૂકેલા રવીન્દ્ર જાડેજાએ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરાં કર્યાં હતાં. જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં 2893 રન, વન-ડેમાં 2756 રન અને ટી20માં 480 રન કર્યા છે. તેણે ટેસ્ટમાં 280 વિકેટ, વન-ડેમાં 220 વિકેટ અને ટી20માં 53 વિકેટ લીધી છે. રીવાબા 2022થી જામનગર ઉત્તરથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય છે.
Source link