ક્રૂરતા અને પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાના કેસમાં આરોપી પતિને નિર્દોષ ઠરાવી છોડી મૂકતા દાહોદ ટ્રાયલ કોર્ટના પંદર વર્ષ જૂના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે ભૂલભરેલો ગણાવી તેને રદબાતલ ઠરાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આરોપી પતિને આ કેસમાં મરનાર પત્નીના ડાઈંગ ડેકલેરેશનના આધારે દોષિત ઠરાવી સજા સાંભળવવા માટે મેટર તા.25મી ઓકટોબરે રાખી છે.
વધુમાં, આરોપી પતિ વિરુધ્ધ હાઇકોર્ટે જામીનપાત્ર વોરંટ કાઢી સંબંધિત પોલીસ મથક મારફ્તે તેની તાત્કાલિક બજવણી કરી સજા સંભળાવાય તે દિવસે આરોપી પતિને હાજર રાખવા તાકીદ કરી છે. હાઇકોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, પત્નીની માનસિક તંદુરસ્તી અંગે તબીબી અધિકારી દ્વારા સમર્થન નહી અપાવાના કારણ માત્રથી તેનું ડાઈંગ ડેકલેરશન અસ્વીકાર્ય બની જતુ નથી.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ સેશન્સ કોર્ટનો આરોપી પતિને નિર્દોષ ઠરાવતો તા.4-8-2009નો ચુકાદો ગંભીર ભૂલભરેલો છે, તેથી તેને રદબાતલ ઠરાવવામાં આવે છે અને રાજય સરકારની અપીલ મંજૂર કરવામાં આવે છે. હાઇકોર્ટે લક્ષ્મણ વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજય(2002)ના કેસમાં બંધારણીય બેંચના ચુકાદાને ટાંકતા ઠરાવ્યું હતું કે, મૃતકની માનસિક સ્થિતિ સંદર્ભે તબીબી અધિકારીનું સમર્થન ના હોવાના કારણ માત્રથી તેણીનું ડાઈંગ ડેકલેરેશન અસ્વીકાર્ય ના થઇ શકે.
આ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ હેડ કોન્સ્ટબલે આરોપી પતિ વિરુદ્ધ આઇપીસીની કલમ-498(એ), 306, 504 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતક પત્ની તરફ્થી પોલીસ અને એક્ઝયુક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેનો પતિ તેને અવારનવાર મારતો હતો અને ત્રાસ આપતો હતો. તેના ચારિર્ત્ય પર શંકા રાખી તેના પતિ દ્વારા અસહ્ય કુરતાભર્યુ વર્તન આચરાતુ હતુ, જેને લઇ તેના ભયંકર ત્રાસના કારણે આખરે તેણે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. દરમ્યાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાના 22 દિવસ બાદ તેનું કરૂણ મૃત્યુ નીપજયુ હતું. એ દરમ્યાન વચ્ચેના સમયગાળા દરમ્યાન પણ તેના નિવેદન લેવામાં આવ્યા હતા. હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, પ્રસ્તુત કેસમાં પત્ની 22 દિવસ જીવતી રહી હતી અને ગંભીર રીતે દાઝી જવાના કારણે બાદમાં મૃત્યુ પામી હતી. આ કેસમાં મૃતકના માતા-પિતા અથવા નજીકના કોઇ સગા-સંબંધી તરફ્થી કોઇ ફરિયાદ નહી નોંધાવાઇ હોવાના કારણે જવાબદાર પોલીસ કર્મચારી તરફ્થી પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી, તે બાબતથી ફરિયાદ શંકાસ્પદ બની જતી નથી. ટ્રાયલ કોર્ટે મૃતક પત્નીના બે નિવેદનોને અવગણીને ગંભીર ચૂક દાખવી છે, કે જે નિવેદનોને ભારતીય પુરાવા અધિનિયમની કલમ-32 હેઠળ ડાઈંગ ડેકલેરેશન તરીકે ગણી શકાયુ હોત. આ બંને નિવેદનો આરોપીના અપરાધને ઉજાગર કરે છે. હાઇકોર્ટે આ નિવેદનો પર મુખ્ય આધાર રાખ્યો હતો..
Source link