GUJARAT

Junagadhના જાહેર માર્ગો ઉપર ઢોરનો આંતક, પશુ પકડવાનો મનપાનો દાવો પોકળ

રાજ્ય સરકારે રખડતાં પશુઓને લઈને આકરૂ વલણ અપનાવ્યું હોવા છતાં જૂનાગઢ મનપાની કામગીરી માત્ર કાગળો પર જ હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઢોરનો ત્રાસ યથાવત રહેતા દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ જવાની નગરજનોમાં ભીતિ સેવાઈ રહી છે.

મોતીબાગ રોડ, મધુરમ બાયપાસ સહિતના મુખ્ય રોડ પર ગૌવંશનો અડિંગો

જૂનાગઢ શહેરનાં મોતીબાગ રોડ ઉપર બાટાનાં શૌ રૂમ સામેનાં રસ્તા પર બપોરના સમયે બે ભેંસો વાહનચાલકોની પાછળ દોડતા અરાજકતા ફેલાઈ હતી. વળી મધુરમ બાયપાસ પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં રાહદારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રખડતા-ભટકતાં પશુઓ તો ઠીક પરંતુ માલધારીઓ પોતાના માલઢોરને ચરવા માટે રસ્તા પર છોડી મૂકતા ઈસમો સામે તંત્ર જાણે લાચાર બન્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે. બેફામ રસ્તા પર દોડતા પશુના લીધે અકસ્માત સર્જાઈ અને મોત નીપજે તો દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ જાય તો જવાબદાર કોણ? જેના પગલે તાકીદે મનપા તંત્રએ માત્ર કાગળ ઉપર નહીં, પરંતુ સાચા અર્થમાં કામગીરી હાથ ધરવી જરૂરી બની છે.

2 મહિનામાં શહેરમાંથી 715 પશુને પકડવાનો મનપાનો દાવો પોકળ સાબિત થયો

બીજી તરફ તાજેતરમાં જૂનાગઢ મનપા કમિશ્નરના જણાવ્યા મુજબ કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામગીરી હેઠળ શહેરમાંથી જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતાં છેલ્લા બે મહિનામાં 715 મળીને કુલ 859 જેટલા ગૌવંશને પકડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા 67 ઈસમોને પકડવામાં આવ્યા છે. તેમજ 74 ગૌવંશને સરકારની ગૌ પોષણ યોજના હેઠળ અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા છે.

ત્યારે સવાલ એ છે કે માત્ર બે મહિનામાં 715 જેટલા પશુઓને પકડવામાં આવ્યા હોવા છતાં પણ આજે રસ્તા પર ઢોરનો અડિંગો અને રખડતાં ભટકતા જોવા મળી રહ્યા છે. જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેથી કરીને ઢોરવાડા અને ગૌશાળાઓ કાર્યરત કરી અને પશુઓને આશ્રય આપી નિભાવવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button