મૂળી રેલવે સ્ટેશન રોડ પર આવેલ વાડીમાં વીજ શોક લાગતા તા. 25-10ના રોજ બે યુવાનોના મોત થયા હતા. આ બનાવમાં વાડી ભાગવી રાખનાર બે ભાગીયા સામે ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરી બેદરકારી દાખવી બન્ને યુવાનોના મોત નિપજાવવાનો ગુનો મૂળી પોલીસ મથકે નોંધાયો છે.
મૂળીના સરા રોડ પર 25 વર્ષીય અજય દેવજીભાઈ શેખ રહે છે. તેઓ કડીયા કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. જયારે તેમનો ભાઈ 21 વર્ષીય વિપુલ દેવજીભાઈ શેખ અને 18 વર્ષીય ગટુર રમેશભાઈ અબાણીયા છેલ્લા બારેક માસથી લીમલીપા, મુળીમાં રહેતા દિગ્વીજયસીંહ હનુભા પરમારની વાડીમાં ખેતમજુરી કરે છે. તેઓએ વાડીમાં હાલ કપાસનું વાવેતર કર્યુ છે. વાડીમાં હાલ કપાસ વીણેલો પડેલો હોઈ તેનું ટોયાપણુ કરવાનું હોય તથા બીજા દિવસે સવારે જંતુનાશક દવા છાંટવાની હોઈ વિપુલ અને ગટુર બન્ને ગત તા. 24-10ના રોજ રાત્રે વાડીએ ગયા હતા. બીજા દિવસે એટલે કે, તા. 25-10ના રોજ સાંજ સુધી બન્ને પરત ન આવતા અજયભાઈએ તપાસ હાથ ધરી હતી. બન્ને મોબાઈલ ફોન ઉપાડતા ન હોય વાડી માલિક દિગ્વીજયસીંહને ફોન કર્યો હતો. થોડીવાર પછી દિગ્વીજયસીંહે અજયભાઈને વાડીએ બોલાવ્યા હતા. જયાં તપાસ કરતા દિગ્વીજયસીંહની વાડીની બાજુમાં ઈન્દુભા પરમારની વાડી આવેલી છે. આ વાડી મૂળીના કુકડીયાપામાં રહેતા ભગવતસીંહ જુવાનસીંહ પરમાર અને સાયલા તાલુકાના ભાડુકા ગામના લાલા ઘુઘાભાઈ કલોતરાએ ઉધડ વાવવા રાખી છે. વાડીમાં તેઓએ મગફળીનું વાવેતર કર્યુ હતુ.
મગફળીના પાકને ભુંડ તથા રોઝ નુકશાન ન કરે તે માટે વાડી ફરતે લાકડા ખોડીને તેમાં લોખંડનો તાર પસાર કરી ગેરકાયદેસર રીતે વીજ કનેકશન અપાયુ હતુ. અને આ સ્થળે વિપુલ અને ગટુર મૃત હાલતમાં પડયા હતા અને બન્નેને વીજ શોક લાગેલો હતો. આથી બન્નેના મૃતદેહને પીએમ માટે મૂળી સરકારી દવાખાને લઈ જવાયા હતા. બન્નેની અંતીમવિધિ પુંર્ણ થયા બાદ મૃતક વિપુલના ભાઈ અજય શેખે વાડી ઉધડ રાખનાર, ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરી મૂળીના કુકડીયાપામાં રહેતા ભગવતસીંહ જુવાનસીંહ પરમાર અને સાયલા તાલુકાના ભાડુકા ગામના લાલા ઘુઘાભાઈ કલોતરા સામે બેદરકારી દાખવી બન્ને યુવાનોના મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે.
દવા છાંટતી વખતે વીજ શોક લાગ્યાનું અનુમાન
મૃતકના વિપુલના ભાઈ સહિતનાઓએ વાડીએ જઈને જોતા મૃતક વિપુલ ખભે દવા છાંટવાના પંપ સાથે મોઢામાંથી લોહી નીકળેલ હાલતમાં પડયો હતો. તેના જમણા હાથે લોખંડનો તાર ફસાયો હતો અને વીજ શોકના નીશાન હતા. જયારે ગટુર ઉંધો પડેલ હતો તેના ડાબા પગે અને ઘુંટણે વીજ શોકના નિશાન હતા. તેને સીધો કરીને જોતા નાકમાંથી લોહી નીકળતુ હતુ. આથી બન્નેને દવા છાંટતી વખતે વીજ શોક લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યુ છે.
બન્નેનાં મોતની જાણ અંદાજે 12 કલાક પછી થઈ
વાડીએ ખેતમજુરી કરતા વિપુલ અને ગટુર રાત્રે ટોયાપણુ કરવા તથા સવારના સમયે દવા છાંટવાનું કહીને ગયા હતા. ત્યારે તા. 25ના રોજ સવારે દવા છાંટતી વખતે બન્નેને વીજ શોક લાગ્યો હોઈ શકે છે. જયારે છેક તા. રપમીએ સાંજે અંદાજે 12 કલાક પછી પરિવારજનોને અને અન્યને બન્ને યુવાનોના મોતની જાણ થઈ હતી.
Source link