સ્ટાર ખેલાડી લેવાન્ડોવસ્કીના ડબલ ગોલની મદદથી બાર્સેલોનાએ રેડ સ્ટાર બેલગ્રેડને 5-2થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં પોતાના અભિયાનનો જારી રાખ્યું હતું. બાર્સેલોના પોઇન્ટ ટેબલમાં હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. લેવાન્ડોવસ્કીએ 43મી અને 53મી મિનિટે ગોલ કર્યા હતા.
આ ઉપરાંત ઇનિગો માર્ટિનેઝે 13મી, રાફિન્હાએ 55મી તથા ફર્મિન લોપેઝે 76મી મિનિટે ગોલ કર્યા હતા. રેડ સ્ટાર માટે સિલાસે 27મી તથા મિલસને 84મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કર્યું હતું. બાર્સેલોનાએ ચાર મેચમાં ત્રણ વિજય અને એક પરાજયના પરિણામ વડે નવ પોઇન્ટ મેળવ્યા છે.
ઇન્ટર મિલાને સેન સિરીમાં રમાયેલી મેચમાં આર્સનલને 1-0થી હરાવ્યું હતું. હાકેન અલહાનોગ્લૂએ પ્રથમ હાફના ઇન્જરી ટાઈમમાં મેચનો એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. ઇન્ટર મિલાન પાસે હવે 10 પોઇન્ટ છે અને તે પાંચમા ક્રમાંકે છે. પેનલ્ટીના વિવાદાસ્પદ નિર્ણયના કારણે એસ્ટન વિલાનું વિજયી અભિયાન અટકી ગયું હતું. ચાલુ સપ્તાહની શરૂઆતમાં એસ્ટન વિલા 36 ટીમમાં ટોચના ક્રમે હતી. તેનો ક્લબ બ્રુગે સામે 1-0થી પરાજય થયો હતો. એસ્ટનના ડિફેન્ડર ટાયરોન મિંગ્સે ક્લબ બ્રૂગના ડી-એરિયામાંથી બોલને ઉઠાવ્યો હતો અને રેફરીએ તેને ફાઉલ જાહેર કરીને હરીફ ટીમને પેનલ્ટી આપી દીધી હતી. બ્રુગના સુકાની વાનાકેને બાવનમી મિનિટે કરેલો ગોલ નિર્ણાયક સાબિત થયો હતો. એસ્ટન વિલા હવે આઠમા ક્રમે સરકી ગઇ છે.
Source link