ન્યુમોનિયાથી બચવા માટે દર વર્ષે 12મી નવેમ્બરે જાગૃતિ માટે ‘વિશ્વ ન્યુમોનિયા દિવસ’ મનાવાય છે. ન્યુમોનિયામાં તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હૃદય અને શ્વાસની ગતિમાં વધારો, ઉબકા, ઉલટી, ઝાડા વગેરેની તકલીફ ઉપરાંત શ્વસન માર્ગમાં ઈન્ફેક્શન થાય છે.
ગુજરાતમાં વર્ષ 2021ના સમય ગાળામાં ન્યુમોનિયાના કારણે 13,324 લોકોનાં મોત થયા છે એટલે કે રોજના 35થી 36 લોકોનાં મોત થયાં છે. તબીબોનું કહેવું છે કે, સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધોમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે, પહેલાં 60થી વધુ વયના દર્દી વધુ આવતાં હતા, જોકે હવે 50થી વધુ વયના દર્દી મોટા પાયે સામે આવે છે. શિયાળામાં ન્યુમોનિયા થવાનું જોખમ વધી જાય છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, શિયાળાની સિઝનમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, વારંવાર શરદી ખાંસી થતી હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તબીબની સલાહ લઈને રસી લેવી જોઈએ, હવામાં પ્રદૂષણનું સ્તર કથળેલું હોય તેવી સ્થિતિમાં કાળજી લેવાની રહે છે. બે દિવસ 101થી વધુ તાવ હોય, છાતીમાં દુખાવો, ગભરામણ જેવા લક્ષણ હોય તો સિટી સ્કેન કે એક્સ-કે રિપોર્ટ કરાવવા જોઈએ. તબીબો કહે છે કે, બાળકોમાં વાયરલના કારણે જ્યારે ધુમ્રપાન કરતાં લોકોમાં બેક્ટેરિયાથી ન્યુમોનિયા થાય છે અને એ પછી ફેફસાંમાં સોજો આવે છે.
Source link