શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર, જેકેટ પહેરીને જ આવવા સ્કૂલોની દાદાગીરી શરૂ થઈ જાય છે. વળી આ સ્કૂલો એટલે સુધી દાદાગીરી કરે છે કે ચોક્કસ દુકાનેથી જ સ્વેટર કે જેકેટ ખરીદવાના. તેના કારણે વાલીઓનો મરો થઈ જાય છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સ્વેટર અને જેકેટ ખરીદવા આદેશ કરી દીધા છે. જે સ્વેટર કે જેકેટની કિંમત રૂ.1500થી શરૂ થાય છે.
બાળકને ઠંડીથી રક્ષણ ગમે તે સ્વેટર કે જેકેટથી મળવાનું છે પછી શા માટે સ્કૂલો ચોક્કસ રંગના સ્વેટર-જેકેટનો આગ્રહ રાખે છે ? સ્વેટર કે જેકેટની અંદર વિદ્યાર્થીએ સ્કૂલ ડ્રેસ પહેર્યો જ હોય છે પછી સ્વેટર અને જેકેટ ગમે તે રંગ કે ડિઝાઈનનું હોય શું ફર્ક પડે છે ? તે વાલીઓને સમજાતું નથી. સ્વેટર અને જેકેટમાં પણ કમિશન ખાવાની તક નહીં છોડતી આવી સ્કૂલોને કારણે વાલીઓ પર મોટું આર્થિક ભારણ આવી જાય છે. વળી જે ચોક્કસ દુકાનનો સ્કૂલ આગ્રહ રાખતી હોય છે તે દુકાનો ડિસ્કાઉન્ટ આપતી નથી. ડિસ્કાઉન્ટ આપે તો પહેલેથી કિંમત વધારેલી હોય છે. સરવાળે વાલીઓ સ્કૂલ અને દુકાનદાર વચ્ચેની સિન્ડીકેટમાં પીસાઈને એટલી જ રકમ ચુકવે છે જેટલી આ બંનેએ નક્કી કરી હોય.
જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર દ્વારા દરેક સ્કૂલોને એવી સૂચના આપવામાં આવી છે કે, શિયાળામાં ઠંડીના કારણે વિદ્યાર્થી પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવાના રહેશે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પર દબાણ કરીને ફ્રજિયાત અમુક ચોક્કસ રંગ કે પ્રકારના જ ગરમ કપડાં પહેરી લાવવા તેવો આગ્રહ ન કરવા તાકીદ કરવામાં આવી છે. સ્વેટર અમુક ચોક્કસ દુકાનેથી જ ખરીદવું તેવો આગ્રહ ન રાખવા પણ સૂચના આપવામાં આવી છે. જો કોઇ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા દબાણ કરે અથવા તો અમુક દુકાનેથી જ ખરીદવા તેવુ દબાણ કરશે તો તેમની સામે આરટીઇ એક્ટ 2009 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
વાલીઓ ફોન નંબર અને રૂબરૂ ફરિયાદ કરી શકશે
શહેર ડીઈઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સારથી હેલ્પ લાઈન નંબર 9909922648 જાહેર કરાયેલ છે, જે વોટ્સએપ નંબર છે. જેમાં માત્ર મેસેજ કરવામાં આવશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય વાલી ડીઈઓ કચેરીમાં રૂબરૂ ફરિયાદ કરી શકશે. જેમાં વાલીની ઓળખાણ ગુપ્ત રખાશે.
Source link