ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગે સૂત્રને પોતાનો ટેકો આપ્યો છે. કંગનાએ કહ્યું હતું કે યોગી આદિત્યનાથે આપેલું સૂત્ર એકતા માટે હતું.
કંગનાએ વધુમાં ઉમેર્યુ હતું કે અમારી પાર્ટીતો પાકિસ્તાનના કબ્જા હેઠળ રહેલા કાશ્મીરને પણ ભારતમાં મીલાવી લેવા માગે છે. રણૌતે જણાવ્યું હતું કે, આ એકતા માટેનું આહવાન છે. આપણને બાળપણથી શિખવવામાં આવતું રહ્યું છે કે એકતામાં જ શક્તિ છે. આપણે સૌ જો એક સાથે છીએ તો આપણે સુરક્ષિત છીએ અને જો આપણે વિભાજીત થઇ જઇશું તો આપણે કપાઇ જઈશું. અમારી પાર્ટી સનાતની પાર્ટી છે. અમારી પાર્ટી તો પીઓકેને પણ પોતાની સાથે લેવા માગે છે અને વિપક્ષનું આપણને વિભક્ત કરવાનું કાવતરું સફળ નહીં થાય. કંગનાએ સાથે જ પોતાના ચિરપરિચિત અંદાજમાં કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તેમની વડાપ્રધાન વિરુદ્ધની ટિપ્પણી મુદ્દે આકરા પણ પ્રહાર કર્યા હતા. કંગનાએ જણાવ્યું હતું કે બધા જાણે છે કે સમગ્ર વિશ્વ પીએમ મોદીના વ્યક્તિત્વ વિશે ચર્ચા કરે છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. પરંતુ મને આ વાતે ખૂબ જ ખરાબ લાગે છે કે આપણો વિપક્ષ વડાપ્રધાન પ્રત્યે ઇર્ષ્યા અનુભવે છે અને તેથી જ તેઓ આવી ટિપ્પણી કરે છે. કંગનાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને 11 મિનિટના ભાષણ માટે પણ સ્મોલ નોટ્સની જરૂર હોય છે જ્યારે વડાપ્રધાન મોદી કલાક સુધી કાગળમાં જોયા વિના ભાષણ આપી શકે છે. નોટ્સ ના હોય તો રાહુલ ગાંધી બોલી પણ ના શકે અને તેઓ દાવો કરે છે કે તેઓની યાદશક્તિ સારી છે.
Source link