GUJARAT

Anand: રાહતલાવમાં સાથે ચા-નાસ્તો કરવાની બાબતે એક વ્યક્તિને અપમાનિત કરીને માર માર્યો

આણંદ પાસેના રાહતલાવ ગામની પ્રાથમિક શાળા પાસે વીસેક દિવસ પહેલાં એક દલિત સાથે ચા-નાસ્તો કરવાની બાબતે ગુતાલના બે શખ્સોએ અપમાનિત ભાષામાં વાત કરીને માર મારીને ધમકી આપતા આ અંગે ભાલેજ પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગીરીશભાઈ ચતુરભાઈ ગત 25મી ઓક્ટોબરના રોજ સાંજના સવા છ વાગ્યાના સુમારે ગેટની બાજુમાં આવેલા કાંતિભાઈ ભુપતભાઈ પરમારના પાન-બીડીના ગલ્લા આગળ મિત્ર દિનેશભાઈ શનાભાઈ તળપદા સાથે બેઠો હતો. દરમિયાન દિનેશભાઈના ઓળખીતા મહેશ રાજુભાઈ તળપદા અને કાળુ ગાંડાભાઈ તળપદા આવી પહોંચ્યા હતા. જેથી દિનેશભાઈએ મારી પાસે રોકડા પૈસા નથી. તું ચા-નાસ્તો લઈ આવ. જેથી ગીરીશભાઈ ભજીયા-સમોસા અને ચા લઈને આવ્યો હતો અને સાથે બેસીને ચા-નાસ્તો કરતા હતા. ત્યારે દિનેશભાઈને મહેશે આ ભાઈ કોણ છે, દરબાર છે કે ઠાકોર ત્યારે દિનેશભાઈએ આ દરબાર અને ઠાકોર નથી, મારો લંગોટીયો મિત્ર છે. જે દલિત છે. આ વાત સાંભળતાં જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિવાચક અપશબ્દો બોલીને તારી સાથે ચા-નાસ્તો કરવાથી મારી માતા અભડાઈ ગઈ તેમ જણાવીને ફેંટ પકડીને મહેશે બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ બંનેએ અપમાનિત ભાષાનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન જઈને અમારી વિરૂદ્ધ કાંઈ કર્યું તો તને અને તારા પરિવારને હું અને કાળુ કારથી એક્સીડન્ટ કરીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે દિનેશભાઈએ હવે ફરી આ બંને ઝઘડો નહીં કરે અને માફી માંગી લેશે તેમ સમજાવતાં જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પરંતુ બંનેએ જે થાય તે કરી લેજે, અમોને કોઈનો ડર લાગતો નથી તેમ જણાવતાં ગીરીશભાઈએ ભાલેજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button