દાણચોરી પર અંકુશ લગાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. વિવિધ પેંતરા અજમાવી સોનાની દાણચોરી કરતા મુસાફરોને કસ્ટમના અધિકારીઓએ ઝડપીને અત્યાર સુધીમાં કરોડોનું સોનું જપ્ત પણ કર્યું છે. હાલ સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે.
દુબઈમાં 10 ગ્રામે ચારથી પાંચ હજાર રૂપિયા સોનું સસ્તું હોવાથી યેનકેન પ્રકારે અમદાવાદમાં ઘુસાડાતું હોય છે ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા શંકાસ્પદ મુસાફરો પર બાજનજર રાખવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક સમયમાં કસ્મટ વિભાગ અને એર ઇન્ટેલિજન્ટ યુનિટની સતર્કતાને કારણે મોટી માત્રામાં ગોલ્ડ પણ પકડવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે તાજેતરમાં 50 નંગ ભરેલી બંદૂકની કારતૂસોના બોક્સને પણ શંકાસ્પદ મુસાફર પાસેથી જપ્ત કર્યું હતું. સોનું , ઇમ્પોર્ટેડ સિગારેટની સાથેસાથે ડ્રગ્સ, ડાયમંડ અને વિદેશી કરન્સીની મોટા પ્રમાણમાં થતી દાણચોરી પર પણ અંકુશ મેળવવામાં કસ્ટમવિભાગે સફળતા મેળવી છે.
કસ્ટમના અધિકારીના નામે થતી ઠગાઇ રોકવા અભિયાન હાથ ધરાયું
પાર્સલમાં ડ્રગ્સના નામે લોકોને ઠગનારી ટોળકીથી લોકોને સતર્ક રહેવા કસ્ટમ વિભાગે અનુરોધ કર્યો છે. અમદાવાદ કસ્ટમ વિભાગે આવી છેતરપિંડીથી બચવા લોકોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ગઠિયાઓ પોતાને કસ્ટમ-પોલીસ વિભાગના અધિકારી હોવાનું જણાવીને તેમના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડરાવે છે, કાનૂની કાર્યવાહી અને ધરપકડનો ડર બતાવીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવવા મજબૂર કરે છે. આ પ્રકારની ઠગાઇ મામલે અમદાવાદ કસ્ટમના અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.
Source link