પર્થ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સદી ફટકાર્યા બાદથી વિરાટ કોહલી સતત ફ્લોપ થઈ રહ્યો છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચના 5માં દિવસે ફેન્સને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.
તેને મેલબોર્ન ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઈનિંગમાં માત્ર 5 રન બનાવ્યા હતા. તેને સ્ટાર્કે આઉટ કર્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી સાઈમન કેટિચે તેના વિશે મોટું નિવેદન આપ્યું છે.
કોમેન્ટ્રી દરમિયાન કહી આ વાત
લંચ પહેલાની છેલ્લી ઓવરમાં કોહલી મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન કોમેન્ટ કરી રહેલા સાઈમન કેટિચે કહ્યું કે “કિંગ હવે મરી ગયો છે. તે રમતમાંથી બહાર છે. તેની જગ્યા બુમરાહે લીધી છે. વિરાટ કોહલી પોતાનાથી નિરાશ દેખાય છે, તેના માટે આ મોટી તક હતી. તે રન બનાવવામાં સક્ષમ નથી અને ભારત હવે 3 વિકેટે 33 રન પર છે કારણ કે અમે પાંચમા દિવસે લંચ પર છીએ. ઓસ્ટ્રેલિયા અત્યારે જે પરિસ્થિતિમાં છે તેનાથી ખૂબ જ ખુશ હશે.
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે વિરાટ
વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં 5 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી તેને સદી (100*) ફટકારીને પર્થમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી તે ફ્લોપ રહ્યો છે. પર્થ ટેસ્ટ મેચ બાદ તેને 7, 11, 3, 36 અને 5 રન બનાવ્યા હતા. તેને સાત ઈનિંગ્સમાં 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે.
જો બુમરાહની વાત કરીએ તો આ સિરીઝમાં તેનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. તેને 12.83ની મજબૂત એવરેજથી 30 વિકેટ લીધી છે. આ મેચમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે. તેને અત્યાર સુધી 44 ટેસ્ટ મેચમાં 203 વિકેટ લીધી છે.
ભારતનો રસ્તો બન્યો મુશ્કેલ
આ હાર સાથે WTC ફાઈનલમાં ભારતનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. આ હારને કારણે ભારતની પોઈન્ટ્સ ટકાવારી (PCT) 55.89 થી ઘટીને 52.77 થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાએ WTC ફાઈનલની રેસમાં રહેવા માટે સિડનીમાં જીત મેળવવી પડશે. આ સિવાય અમને આશા છે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં હરાવશે.