કઝાકિસ્તાને યુનાઇટેડ કપની ક્વાર્ટર ફાઇનલમાં બુધવારે જર્મનીને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 24 વર્ષીય એલેક્ઝાન્ડર શેવચેન્કોએ ડેનિયલ માસૂરને 6-7(5), 6-2, 6-2થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે જ કઝાકિસ્તાનને 2-0ની લીડ મળી હતી.
આ પહેલા એલેના રેબેકિનાએ લૌરા સીઝમંડને 6-3, 6-1થી પરાજય આપ્યો હતો. જર્મનીની ટીમ માટે વર્લ્ડ નંબર બે એલેક્ઝાન્ડર જ્વેરેવ ઈજાને કારણે બહાર થઈ હતો અને તેના સ્થાને માસૂરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ માસૂર કોઈ ઉલટફેર કરી શક્યો નહોતો.
જીત બાદ શેવચેન્કોએ જણાવ્યું હતું કે મેં મારી ટીમ માટે આકરી મહેનત કરી હતી અને મને તેના પર ગર્વ છે. હું થોડો નર્વસ હતો. આ જીત મારા માટે ખાસ હતી. હવે કઝાકિસ્તાન સેમિફાઇનલ રમવા માટે સિડની જશે. 2023માં યુનાઇડેટ કપમાં પહેલીવાર રમવા ઉતરેલું કઝાકિસ્તાન એક પણ જીત વિના જ બહાર થઈ ગયું હતું. પરંતુ આ વખતે તેની પાસે ફાઇનલમાં પહોંચવાની તક છે. બીજી તરફ હૂયબર્ટ હરકાઝ અને ઇગા સ્વિયાતેકે પોલેન્ડને ગ્રૂપ-બીમાં ટોચના સ્થાને પહોંચાડયું હતું. તેમણે ચેક ગણરાજ્યના ટોમસ માચાક અને કેરોલિના મુચોવાને 7-6(3), 6-3થી પરાજય આપીને 2-1થી જીત મેળવી હતી. હરકાઝ અને સ્વિયાટેકે એક કલાક 25 મિનિટમાં જીત મેળવી હતી. પોલેન્ડે હરીફ ટીમની સર્વિસ પાંચ વાર બ્રેક કરી હતી. સ્વિયાતેકે કહ્યું હતું કે મને વિશ્વાસ હતો કે તેઓ ખૂબ સારી રમત રમશે કારણ કે તેમની ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ટીમ હંમેશાથી સારી રહી છે. પરંતુ મને ખબર હતી કે અમે જીતી શકીએ છીએ. અમે શરૂઆતથી જ આગળ હતા.
Source link