ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયરે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કરુણે વિજય હજારે ટ્રોફીમાં એક કે બે નહીં પરંતુ ચાર સદી ફટકારી છે. આ ચાર સદી સાથે કરુણ લિસ્ટ-A ક્રિકેટમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
કરુણ નાયરે 2010માં બનાવેલા જેમ્સ ફ્રેન્કલિનના રેકોર્ડને તોડી નાખ્યો છે. કરુણે ઉત્તર પ્રદેશ સામે રમાયેલી મેચમાં 101 બોલમાં 112 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન કરુણે 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા, જેના આધારે વિદર્ભે માત્ર 2 વિકેટ ગુમાવીને 308 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
કરુણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
કરુણ નાયરે લિસ્ટ-એ ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જે વિશ્વનો કોઈ અન્ય બેટ્સમેન પહોંચી શક્યો નથી. કરુણ લિસ્ટ-એ ક્રિકેટમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કરુણે પાંચ મેચમાં ચાર સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે કરુણ પાંચમી મેચમાં આઉટ થયો હતો. કરુણે જમ્મુ-કાશ્મીર સામે 112 રનની શાનદાર ઈનિંગ રમીને વિજય હજારે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.
આ પછી તેને છત્તીસગઢ સામે અણનમ 44 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેને ચંદીગઢ સામે 163 રનની બીજી સદી રમી હતી, જ્યારે તમિલનાડુ સામે પણ તેને 111 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઉત્તર પ્રદેશ સામે 112 રનની ઈનિંગ રમીને તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ફ્રેન્કલિનનો તૂટી ગયો રેકોર્ડ
કરુણે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જેમ્સ ફ્રેન્કલિનના રેકોર્ડને તોડી નાખ્યો છે. ફ્રેન્કલિને વર્ષ 2010માં આઉટ થયા વિના 527 રન બનાવ્યા હતા. કરુણના બેટે ઉત્તર પ્રદેશ સામે પણ ધૂમ મચાવી હતી અને તેને 112 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કરુણ વિજય હજારે ટ્રોફીમાં પ્રથમ વખત કુલ 542 રન બનાવીને આઉટ થયો હતો.
વિજયના રથ પર સવાર વિદર્ભ
વિજય હજારે ટૂર્નામેન્ટમાં વિદર્ભની ટીમ વિજયના રથ પર સવાર છે. ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી પાંચમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા યુપીએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા હતા. સમીર રિઝવીએ સારી બેટિંગ કરી અને સદી ફટકારી. પરંતુ વિદર્ભે 47.2 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.