ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે, જ્યાં ટીમ ઈન્ડિયાને અપેક્ષા મુજબ સફળતા મળી નથી અને તે સિરીઝ 1-3થી હારી ગઈ છે. ભારતનો આગામી પડકાર ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે સિરીઝ છે. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલમાં થવાનું છે, જેના માટે ભારતને પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ ટીમ ઈન્ડિયા માટે ટ્રોફી જીતવાનો માર્ગ આસાન નહીં હોય.
આ ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી છે. આ કારણોસર, BCCIની પસંદગી સમિતિ ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તેના પર સૌની નજર છે.
19 ફેબ્રુઆરીથી શરુ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી એડિશન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. પાકિસ્તાનના ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી આઠ ટીમોની ટુર્નામેન્ટની 10 મેચોની યજમાની કરશે અને ભારતીય ટીમની મેચો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે અને ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. તે 2 માર્ચે તેની છેલ્લી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
આ બંને ખેલાડીઓને રોહિત શર્માની સાથે ઓપનર તરીકે મળી શકે છે તક
મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. તેમના નેતૃત્વમાં ભારત 2023 ODI વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યું હતું. એવું નિશ્ચિત લાગે છે કે શુભમન ગિલને રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શરૂઆત કરવાની તક મળશે. જ્યારે ટેસ્ટ અને ટી20માં પોતાની ઓળખ બનાવી ચૂકેલા યશસ્વી જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની સાથે વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પસંદગી નિશ્ચિત છે, પરંતુ જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની ઉપલબ્ધતા પર પ્રશ્નાર્થ ચિન્હો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં બુમરાહને પીઠમાં ખેંચાણની સમસ્યા હતી, જ્યારે કુલદીપ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.
આ ખેલાડીઓને મોહમ્મદ શમીની સાથે કરવામાં આવી શકે છે પસંદ
ODI વર્લ્ડકપમાં ભારત તરફથી છેલ્લે રમનાર મોહમ્મદ શમી વાપસી કરતો જોવા મળી રહ્યો છે. શમી ઈજામાંથી સ્વસ્થ થઈને ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો છે અને વિજય હજારે ટ્રોફી રમીને પોતાની ફિટનેસ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ અન્ય ખેલાડીઓ છે જે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ બની શકે છે.
રિષભ પંતની પણ ટીમમાં પસંદગી નિશ્ચિત છે, પરંતુ અત્યાર સુધીમાં ત્રણ વનડે અને પાંચ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની પસંદગી નિશ્ચિત માનવામાં આવતી નથી. સિલેક્ટર્સ તેને હાર્દિકના બેકઅપ તરીકે પસંદ કરવાનું વિચારી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.