ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત જ રહ્યા

છેલ્લા થોડા વર્ષમાં પોષણહીન બાળકોની સંખ્યા ચાર ગણાથી વધુ વધી ગઈ છે. રાજ્ય સરકાર દર વર્ષે કરોડોનું બજેટ ફાળવે છે, છતાં કુપોષણની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં રાજ્યમાં કુપોષણની ખરાબ તાસીર સામે આવી છે.
આ અહેવાલ સરકારના વિકાસના દાવાઓ સામે સૂર ભિન્ન રાખે છે. જૂન-2025 સુધીના આંકડા પ્રમાણે, રાજ્યમાં કુલ 3,21,127 આદિવાસી બાળકો પોષણની ખામીથી પીડાઈ રહ્યા છે.
તેમાંથી 1,71,570 બાળકો ઓછા વજનના છે, જ્યારે 1,11,862 બાળકો અતિ ઓછા વજનના હોવાનું નોંધાયું છે. ઉપરાંત, 37,695 બાળકો ઓછી ઊંચાઈ ધરાવે છે, જે દયનિય સ્થિતિ દર્શાવે છે. આ આંકડા સરકારના તમામ દાવાઓ સામે સખત સવાલ ઊભા કરે છે.
મોટાભાગના અનુદાન ભ્રષ્ટતાના ખાડામાં
આયુષ્યમાન ભારત, માતૃત્વ સહાય યોજના, મમતા અભિયાન અને કુપોષણમુક્ત ગુજરાત જેવી અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં કુપોષણનો દર ઓગળ્યો નથી. બિહાર, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને ત્રિપુરા જેવા રાજ્યો ગુજરાત કરતાં સુધારેલી પરિસ્થિતી ધરાવે છે.
સરકાર એવો દાવો કરે છે કે જનજાગૃતિનો અભાવ, ગરીબી અને ખોટું પોષણ એ મુખ્ય કારણો છે, પરંતુ હકીકત એ છે કે આર્થિક ફાળવણી છતાં બાળકોમાં કુપોષણનો સુધારો થયો નથી. આથી આશંકા ઉઠે છે કે મોટાભાગના અનુદાન ભ્રષ્ટતાના ખાડામાં ચાલી જાય છે.