CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો

ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી વધારો કર્યો છે. હવે CNGનો દર પ્રતિ કિલોગ્રામ માટે 1 રૂપિયા વધી 80.26 રૂપિયા થયો છે. સુરત શહેરમાં દોઢ લાખથી વધુ રીક્ષા અને સ્કૂલ વાહનો CNG પર નિર્ભર છે,
જેને કારણે ભાવવધારાનો સીધો અસર આવી વાહનચાલકો અને પ્રવાસીઓના ખિસ્સા પર પડશે. વર્ષ 2025ની શરૂઆતમાં જ ગુજરાત ગેસે CNGના દરમાં પ્રથમ વધારો કર્યો હતો, ત્યારે ભાવ 77.76 રૂપિયાથી વધારી 79.26 રૂપિયા કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ લાંબા સમય સુધી દર સ્થિર રહ્યો હતો. હવે ફરીથી 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ શુક્રવારથી અમલમાં આવશે.
સ્કૂલ વાહનો અને જાહેર પરિવહન ક્ષેત્રે ખર્ચ
માહિતી અનુસાર, ગયા વર્ષના જુલાઈ મહિનામાં CNGનો ભાવ 74.26 રૂપિયા હતો. વર્ષ દરમિયાન ચાર અલગ-અલગ તબક્કામાં દર વધારો થયો છે,
જેનાથી કુલ મળીને 6 રૂપિયાનો ભાવવધારો નોંધાયો છે. આ ભાવવધારાની સીધી અસર મુસાફરો, વાલીઓ અને વાહનચાલકો પર પડશે. ખાસ કરીને સ્કૂલ વાહનો અને જાહેર પરિવહન ક્ષેત્રે ખર્ચ વધી શકે છે, જેના કારણે ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા છે.