સુરતમાં વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ પડાવી રેડ

Surat Liquor Party News: સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરીને ઝડપાવી દીધી.
મળેલી માહિતી મુજબ, પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે.
આ કોલ હતો, દારૂ પાર્ટી કરતી એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો!. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે, તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે.
‘સાહેબ મારી વહુ મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે’
પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું- ‘સાહેબ મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે’. આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
વિકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર બેઠી હતી અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી.