Violent incident in Kalol: કલોલના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભામાં મારામારી, જાણો શું છે મામલો

ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભા દરમિયાન માથાકૂટ થઈ હતી. આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં સીતારામની આંખની નીચે છરીથી ઈજા પહોંચી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે 12થી લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સભામાં કેટલાક લોકો ધોકા લઈને આવતા મામલો બિચક્યો હતો
મળતી માહિતી પ્રમાણે જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પૂજક ચેરીટીબલ ટ્રસ્ટે વર્ષો પહેલાં કોઠા ગામમાં સાડા ચારેક વીઘા જમીન ખરીદી હતી. આ જમીનમાં હડકમાઈ માતાનું મંદિર અને ધર્મશાળા બનાવવા માટે 10 ઓગસ્ટે મંડપ બાંધીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં સમાજના આશરે એક હજાર લોકો હાજર હતા. આ સભા દરમિયાન કેટલાક લોકો ધોકા લઈને આવ્યા હતા અને ગાળો બોલવા માડ્યા હતા. પરિણામે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી
બાદમાં આરોપીઓએ ટ્રસ્ટના પ્રમુખ રૂપસંગ ભરભીડીયા સહિતના આગેવાનો સાથે ઝપાઝપી કરી હતી. આરોપીઓ સહિતના ટોળાંએ મંડપમાં રાખેલી ખુરશીઓ તોડી નાખી અને પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ તોડી પણ નાખ્યા હતા. જ્યારે કેટલાક કારોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.