Ahmedabad News: અમદાવાદના ગોતામાં ફ્લેટની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડતા બાળકનું કરૂણ મોત, બિલ્ડરની બેદરકારી સામે રહીશોમાં આક્રોશ

આ ઘટના ગોતા વિસ્તારમાં આવેલા સેવન્થ બ્લીસ ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ, બાળકો પાર્કિંગ એરિયામાં રમી રહ્યા હતા, તે દરમિયાન 5 વર્ષીય બાળક અજાણતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો. આ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આ દુર્ઘટના બની હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની જાણ સોસાયટીના સભ્યોએ અગાઉથી જ બિલ્ડરને કરી હતી, પરંતુ બિલ્ડર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
રહીશોએ આ ઘટના માટે બિલ્ડરની બેદરકારીને જવાબદાર ઠેરવી
સેવન્થ બ્લીસ ફ્લેટના રહીશોએ આ ઘટના માટે બિલ્ડરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડરે છેલ્લા દોઢ વર્ષથી સોસાયટીનો વહીવટ સોંપ્યો નથી અને જાળવણીના કામોમાં ગંભીર બેદરકારી દાખવી છે.
ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની ફરિયાદ છતાં તેની સમયસર દુરુસ્તી ન કરવામાં આવી, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. રહીશોએ બિલ્ડરની આ બેજવાબદારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.