floods in Punjab : પંજાબમાં પૂરગ્રસ્ત 10 ગામ દિલજીત દોસાંઝે દત્તક લીધા, સોનુ સૂદે કરી ખાસ અપીલ

સોનુ સૂદે પોતાના ‘એક્સ’ હેન્ડલ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ફિરોઝપુર, તરનતારણ અને ફાઝિલ્કા જેવા વિસ્તારોની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. લોકોને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, ‘પંજાબ મારી આત્મા છે. ભલે બધું જ જતું રહે, હું પાછળ નહીં હટું. અમે પંજાબી છીએ, અમે હાર માનતા નથી.’
ગુરુ રંધાવાએ પીડિતોને પીવાનું પાણી અને રાશન પૂરું પાડ્યું
પંજાબી સિંગર ગુરુ રંધાવાએ પણ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું અને પીવાનું પાણી પૂરું પાડ્યું છે. આ વિશે માહિતી આપતા તેણે પોસ્ટમાં લખ્યું કે, ‘આજે વધુ ટીમો કરિયાણું અને પાણી લઈને જશે. તમે પણ શક્ય તેટલી મદદ કરો. ચાલો આપણે બધાં સાથે મળીને આખા પંજાબને મદદ કરીએ, આપણા પરિવારો સાથે ઊભા રહીએ. વાહેગુરુ, આ સમય પણ પસાર થઈ જશે.’
દિલજીત દોસાંજ પણ પંજાબની મદદ માટે આગળ આવ્યો
લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, ‘દિલજીત દોસાંજે અન્ય એનજીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.’