Surat Udhana Murder : ઉધનામાં બનેવીએ ચપ્પુના ઘા ઝીંકી બે યુવક-યુવતીને મોતને ઘાટ ઉતાર્યા

સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં મોડી રાત્રે એક ભયાનક ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. અહીં બનેવી સંદીપ ધનશ્યામ ગૌરે પોતાની સાળી સાથે લગ્ન કરવાની અઘરી જીદમાં પોતાના જ સાળા અને સાળીની ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગુસ્સામાં આવીને ચપ્પુના ઘા ઝીંકી દીધા
માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપ પોતાની 25 વર્ષીય બહેન મમતા અને માતા શકુંતલાબેન સાથે પોતાના આવનારા લગ્ન માટેની ખરીદી કરવા સુરત આવ્યો હતો. દરમિયાન, બનેવી સંદીપે મમતાને લગ્ન માટે દબાણ કર્યું અને છેડતી શરૂ કરી,
જેના કારણે ઘરમાં ઉગ્ર વાદવિવાદ થયો. નિશ્ચયે જ્યારે વિરોધ કર્યો ત્યારે સંદીપે ગુસ્સામાં આવીને ચપ્પુના ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા આવેલી મમતાને પણ અનેક ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી.
આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપ્યો
બંનેના મોત બાદ ઘરમાં ચીસો પડતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા. શકુંતલાબેનને ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ડબલ મર્ડરની જાણ થતાં ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ, ડી.સી.પી. કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે ચાંપતો ચક્કર ચલાવી આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપ્યો છે. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં મૃત્યુના માતમથી પટેલનગરમાં ભારે શોક અને ડરનું વાતાવરણ વ્યાપી ગયું છે.