અમદાવાદમાંથી 10 દિવસ પહેલાં ઝડપાયેલા બાળ તસ્કરીના નેટવર્કની તપાસમાં પોલીસ પણ સ્તબ્ધ થઈ જાય તેવી વિગતો બહાર આવી છે. આ માત્ર કોઈ નાનો ગુનો નહીં, પરંતુ હાઈ-ટેક આંતરરાજ્ય રેકેટ હતું, જે કોર્પોરેટ સ્ટાઈલમાં ચાલતું હતું.
આ રેકેટમાં કામ કરતા તમામ એજન્ટોના કામ વહેંચાયેલા હતા. નિઃસંતાન દંપતીની શોધ કરવી, મજબૂર માતા-પિતા પાસેથી બાળકની ખરીદી કરવી અને હોસ્પિટલો સાથે મળીને ડોક્યુમેન્ટ્સ સેટ કરવા માટે અલગ-અલગ ટુકડીઓ કમિશન પર કામ કરતી હતી.
સૌથી ભયાનક બાબત એ છે કે, જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેમની પાસેથી એજન્ટો ₹10 થી 15 લાખ એડવાન્સ વસૂલતા હતા અને આ રકમ ‘નોન-રિફંડેબલ’ રહેતી હતી.
એજન્ટોના ગ્રુપમાં મુકાતા બાળકના ‘ફોટા’
ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, આ ટોળકી ગરીબ અથવા આર્થિક રીતે મજબૂર દંપતીઓને નિશાન બનાવી ₹3 થી 5 લાખમાં બાળક ખરીદતી હતી. બાળક મળતાની સાથે જ તેને સારાં કપડાં પહેરાવી પ્રોફેશનલ ફોટા પાડી એજન્ટોના ગુપ્ત સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકવામાં આવતા હતા.
એકવાર બાળકનો ફોટો મોકલાય અને દંપતી હા પાડે એટલે સોદો પાકો ગણાતો. જો પાછળથી દંપતીને બાળક પસંદ ન આવે અથવા દીકરા-દીકરી બાબતે વિવાદ થાય, તો પણ એજન્ટો લાખોની એડવાન્સ રકમ પરત કરતા નહોતા. સંતાનની તીવ્ર ઝંખનાને કારણે મોટાભાગના દંપતીઓ આ શરતો સ્વીકારી લેતા અને એજન્ટોના શરણે થઈ જતા હતા.
નર્સિંગ હોમ સાથે મળીને ચાલતો ભ્રષ્ટાચાર
તસ્કરી કરાયેલું બાળક કાયદેસર રીતે પોતાનું લાગે તે માટે દલાલો અત્યંત ચાલાકીપૂર્વક કાવતરું ઘડતા હતા. દલાલોની સૂચનાથી નિઃસંતાન દંપતી બાળક લેવાના એકાદ મહિના પહેલાં જ પોતાનું રહેઠાણ બદલી અન્ય પ્રદેશમાં રહેવા ચાલ્યા જતા હતા.
આ દરમિયાન, દલાલોએ સાધી રાખેલા નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં ચોક્કસ તારીખે બાળકનો જન્મ થયો હોવાની બોગસ એન્ટ્રી કરાવવામાં આવતી હતી. આ ખોટા મેડિકલ રેકોર્ડના આધારે પાલિકા કે પંચાયતમાંથી જન્મનો અસલી દેખાતો નકલી દાખલો તૈયાર કરી લેવાતો હતો, જેથી ભવિષ્યમાં કોઈને શંકા ન જાય.
વંદના જેવી મહિલા દલાલોનું ‘બેબી કેર’ સેન્ટર
તપાસમાં સામે આવ્યું છે કે વંદના જેવી મહિલા દલાલો બાળક ખરીદ્યા બાદ તેના વેચાણ સુધી તેની પૂરેપૂરી સંભાળ રાખતી હતી. આ નેટવર્ક એટલું મજબૂત હતું કે તેમાં અનેક નર્સિંગ હોમની સંડોવણી હોવાની આશંકા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે એ તમામ હોસ્પિટલો અને ડોક્ટરોની યાદી તૈયાર કરી રહી છે જેઓએ આ રેકેટમાં બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરી છે.
આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો થવાની અને સંડોવાયેલી હોસ્પિટલોના લાયસન્સ રદ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરની આ ઘટનાએ મેડિકલ ક્ષેત્રની ગરિમા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.
10 દિવસ પહેલાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને 10 દિવસ પહેલાં એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી એક 15 દિવસનું બાળક મળ્યું હતું. પોલીસે કારમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની મહિલા વંદના પંચાલની ધરપકડ કરી હતી.
હિંમતનગરથી લાવવામાં આવેલું બાળક હૈદ્રાબાદ પહોંચાડવાનું હતું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ત્રણેય આરોપી હિંમતનગરમાં મુન્ના નામની વ્યક્તિ પાસેથી આ બાળક 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું.


Leave a Comment