IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મોટો ઝટકો સામે આવ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર રહી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
માહિતી અનુસાર, 4 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન હર્ષિતના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજા ગંભીર હોવાને કારણે તેને T20 વર્લ્ડ કપ ટીમમાંથી પણ બહાર થવું પડ્યું. ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી છે.
ડોક્ટરોએ તેને શરૂઆતમાં બેડ રેસ્ટ અને ત્યારબાદ લાંબી રિહેબિલિટેશન કરવાની સલાહ આપી છે. હર્ષિત બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની ફિટનેસ ટેસ્ટ કરાવશે. સમગ્ર પ્રક્રિયામાં લગભગ 10થી 11 અઠવાડિયા લાગી શકે છે, જેના કારણે તે એપ્રિલના અંત સુધી જ ફિટ થઈ શકે છે. પરિણામે IPL 2026ના મોટા ભાગની મેચોમાં તે રમવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
24 વર્ષીય હર્ષિત રાણાએ અત્યાર સુધી IPLમાં 34 મેચમાં 40 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3/24 રહ્યું છે. 2022થી KKR સાથે જોડાયેલા હર્ષિતે પોતાના અસરકારક બોલિંગથી ઘણી વખત ટીમને જીત અપાવી છે, તેથી તેની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
IPL 2026 26 માર્ચથી શરૂ થઈ 31 મે સુધી ચાલશે. અંદાજે એપ્રિલના અંત સુધીમાં દરેક ટીમ ઘણી મેચ રમી ચૂકશે, એટલે હર્ષિત રાણા ટૂર્નામેન્ટનો નોંધપાત્ર ભાગ ચૂકી શકે તેવી સ્થિતિ છે.


Leave a Comment