AMC ના સી-બ્લોકમાં AC અને વીજ પુરવઠા માટે ₹43 લાખનો ખર્ચ, નવી સિસ્ટમ લગાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી-બ્લોકમાં, જ્યાં મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ટોચના અધિકારીઓની ઓફિસો આવેલી છે, ત્યાં વીજ પુરવઠાને મજબૂત બનાવવા માટે રૂ. 43 લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ પગલું ખાસ કરીને અચાનક વીજ પુરવઠો ખોરવાય તેવા સંજોગોમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવા માટે લેવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વિવિધ કોન્ફરન્સ હોલો અને ગાંધીહોલમાં ઈમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ સ્થાપિત થશે.
સિસ્ટમ હવે 13 વર્ષ જૂની થઈ ગઈ
બિલ્ડિંગના કેટલાક માળ પર અવારનવાર બંધ થતી વી.આર.વી. એ.સી. સિસ્ટમને સ્થિર રાખવા માટે યુ.પી.એસ. પાવર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. વર્ષ 2010માં આ બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવેલી વી.આર.વી. એ.સી. સિસ્ટમ હવે 13 વર્ષ જૂની થઈ ગઈ છે,
જેના ઘણા સ્પેર પાર્ટ્સ હવે બજારમાં ઉપલબ્ધ નથી. સિસ્ટમમાં 32 એચ.પી. ક્ષમતા ધરાવતા 10 આઉટડોર યુનિટ ધાબા પર મુકાયેલા છે અને છ માળ સુધી 78 ઈન્ડોર યુનિટ લગાવાયા છે.
કૂલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય
ઉનાળાના દિવસોમાં આ સિસ્ટમમાં ગેસ લીકેજ, ફોરવે વાલ્વ ખામી અને કોમ્પ્રેસર ફેઈલ થવાની ઘટનાઓ વારંવાર નોંધાઈ છે, જેના કારણે કચેરીના કર્મચારીઓને તકલીફ પડી રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી પાવર અને કૂલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિસ્ટમ માટે “મુદીત કોર્પોરેશન” નામની કંપનીના ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર ઓફિસોમાં ઠંડક જ નહીં પરંતુ વીજ પુરવઠામાં સતત સ્થિરતા પણ સુનિશ્ચિત થશે.