સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સબ જેલમાં એક કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાતા જેલ પ્રશાસનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેલમાં બંધ આરોપીએ માનસિક તણાવના કારણે સેમ્પુ પી લઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશો પર દબાણ કરી રહ્યો હતો કે તેને જેલ બહારની હોસ્પિટલમાં લઈ જવામાં આવે. જેલ સંત્રીઓએ તેને નિયમ મુજબ પહેલા જેલના શુબેદારને રજૂઆત કરવાની સમજ આપતા આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો.
આવેશમાં આવી આરોપીએ અચાનક જ જેલની અંદર સેમ્પુ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને કેદીની હાલત ગંભીર જણાતાં સારવાર માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
હોસ્પિટલ લઈ જતી વખતે પણ આરોપીએ ઉગ્ર વર્તન ચાલુ રાખ્યું હતું. તેણે જેલ પોલીસ કર્મચારીઓને છરી મારી નાખવાની ધમકી આપતા વાતાવરણ વધુ તણાવપૂર્ણ બની ગયું હતું. જેલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જેલ પ્રશાસન દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સબ જેલની અંદરની સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓની માનસિક સ્થિતિ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. જેલ પ્રશાસન દ્વારા કેદીઓની આરોગ્ય અને માનસિક દેખરેખ વધુ મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Leave a Comment