₹2,000થી વધારેના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે ટેક્સ! સરકારનું ખાસ નિવેદન

ભારત અને દુનિયાભરમાં UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. શાકભાજીની લારી હોય કે ઓનલાઈન શોપિંગ, હવે લોકો દરેક જગ્યાએ UPIનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં ખબર આવી હતી કે, UPI દ્વારા 2,000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લગાવવામાં આવશે. હવે સરકારે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને આ દાવો પૂરી રીતે ફગાવી દીધો છે.
2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો
એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યસભા સાંસદ અનિલ કુમાર યાદવે સંસદમાં પૂછ્યું હતું કે, શું સરકાર 2,000 રૂપિયાથી વધારેના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવા પર વિચાર કરી રહી છે. તેમણે એમ પણ પૂછ્યું કે, શું લોકોએ આ પગલાનો વિરોધ કરતા કોઈ પ્રતિનિધિત્વ રજૂ કર્યો છે.
નાણા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, 2,000 રૂપિયાથી વધારેના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ટેક્સ નહીં લાગે. તાજેતરની અફવાઓને સંબોધતા, મંત્રાલયે 2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાદવાના સૂચન કરતા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા.
ટ્રાન્ઝેક્શન પર GST નથી લગાવવામાં આવતો
સવાલનો જવાબ આપતા નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, GST સંબંધિત નિર્ણય માત્ર GST કાઉન્સિલની ભલામણો પર જ લેવામાં આવે છે અને હજુ સુધી કોઈ ભલામણ કરવામાં આવી નથી.
રેવન્યૂ વિભાગે પણ પુષ્ટિ કરી છે કે, GST કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે અને કોઈ પણ નવો ટેક્સ માત્ર તેની ભલામણોના આધાર પર જ લાગુ કરવામાં આવી શકે છે. કોઈપણ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર GST નથી લગાવવામાં આવતો, ભલે તે વ્યક્તિથી વ્યક્તિ (P2P) હોય કે પછી વ્યક્તિથી વેપારી (P2M). સરકારે UPI જેવા પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે તેની ગતિ, સરળતા અને કેશબેક ઓફર્સના કારણે લોકપ્રિય છે.