વડોદરામાં કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી છાત્રાએ કર્યો આપઘાત, કોમર્શિયલ બિલ્ડિંગના 7મા માળેથી કૂદી

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આપઘાત કે હત્યા?
પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પોલીસ તપાસમાં આ ઘટના આપઘાતની હોવાનું લાગે છે, પરંતુ પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ એક આપઘાત છે કે હત્યા, એ દિશામાં પણ વિગતવાર તપાસ હાથ ધરી છે.”
ઘર પાસેના કોમ્પ્લેક્સ પરથી કૂદીને આપઘાત કર્યો
મૃતક યુવતી GSFC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘરથી 500 મીટર દૂર આવેલા બિલ્ડિંગના સાતમા માળેથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે, જોકે યુવતી આ કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી અને આ ઘટનાનું સાચું કારણ શું છે એ અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે.