accident : માછલી પકડવા જતાં ચાર યુવકો ડૂબ્યા, એકનું મોત, ત્રણ હજુ ગુમ

અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર નજીક ધાતરવડી નદીમાં એક હ્રદય હચમચાવી દેનારી ઘટના બની છે. જેમાં ચાર યુવકો નદીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. બર્બટાણા ગામના આ ચાર યુવકો ગઈકાલે સાંજે માછલી પકડવા નદીમાં ઉતર્યા હતા, પરંતુ અચાનક એક યુવક પ્રવાહમાં ફસાતા તેને બચાવવા અન્ય ત્રણેય યુવકો પણ પાણીમાં ઘસી ગયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે.
- એક યુવકનો મૃતદેહ મળ્યો
ઘટનાની માહિતી મળતા જ તાત્કાલિક અમરેલી ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયાં હતા. બચાવ કાર્ય દરમિયાન ફાયર વિભાગે આજે સવારે મેરામભાઈ પરમાર નામના યુવકનું મૃતદેહ શોધી કાઢ્યું છે, જેના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં બાકીના ત્રણ યુવકો હજુ ખોવાયેલા છે. ધાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધારે હોવાથી રેસ્ક્યૂ ટીમને મુશ્કેલી પડી રહી છે.
- NDRFની ટીમ દ્વારા શોધકાર્ય શરૂ
સ્થિતિની ગંભીરતા જોતા વડોદરાથી NDRFની ટીમ પણ રાજુલા પહોંચી ગઈ છે. NDRF ટીમ કમાન્ડર વિજય સોંડલીયાએ જણાવ્યું કે, “નદીમાં પાણી ખૂબ વધારે છે અને પ્રવાહ તીવ્ર હોવાથી શોધકાર્યમાં સમય લાગી શકે છે. અમારી ટીમ લાઇફ બોટ, લાઇફ બેલ્ટ અને અન્ય તમામ રેસ્ક્યૂ સાધનો સાથે સતત કામગીરી કરી રહી છે.”



