Accident in Kutch : અંજાર-મુન્દ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરના કન્ટેનરની અડફેટે આવતા 3ના મોત

કચ્છ જિલ્લાના અંજાર-મુન્દ્રા હાઈવે પરથી કરુણાંતિક સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર દોડતા એક ટ્રેલરમાંથી કન્ટેનર અચાનક છૂટું પડી જતાં મોટો અકસ્માત બન્યો હતો. આ કન્ટેનર સીધું સ્કૂટર પર સવાર ત્રણ લોકોને અડફેટે આવ્યું હતું,
જેમાં ત્રણેનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનર યોગ્ય રીતે લોક ન કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. મૃતકોના દેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ ત્રણેય મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણ કરી
ઘટનાની તીવ્રતા એટલી હતી કે રસ્તો લોહીલુહાણ બની ગયો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાએ આસપાસ હાજર લોકોમાં ભય અને દુઃખનો માહોલ પેદા કર્યો હતો.
સ્થાનિક લોકોએ જ તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણ કરી હતી. બાદમાં કન્ટેનર હટાવીને દબાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.