Accident : રાજકોટમાં રઝળતા ઢોર બન્યા કાળ બે યુવાનોના કરુણ મોત

રાજકોટ નજીકના ગઢકા ગામના બે યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યા હતા. રસ્તા પર અચાનક બેઠેલા ઢોર સાથે કાર અથડાતા, કાર ડિવાઈડર કૂદી સામેની લેનમાં ઘૂસી ગઈ અને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે સીધી ટકરાઈ હતી.
મળતી માહિતી મુજબ, પ્રીતરાજસિંહ અને પ્રતિપાલસિંહ નામના યુવાન મિત્રો રાજકોટથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તેઓ કારમાં દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગઢકા નજીક અચાનક ઢોર રસ્તા પર આવી ચડતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. જોરદાર અથડામણ બાદ કાર ડિવાઈડર પરથી ફંગોળાઈ ગઈ અને સામેથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ. ટક્કર એટલી વિકરાળ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બંને મિત્રોને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માતોની ગંભીરતા સામે પ્રશ્નો ઉભા કર્યા
આ દુર્ઘટનાના સમાચાર ગઢકા ગામમાં પહોંચતાં જ શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનો અને ગામલોકોમાં દુખની લાગણી વ્યાપી ગઈ છે. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર રઝળતા ઢોરની સમસ્યા અને તેના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોની ગંભીરતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોનું માનવું છે કે જો આ મુદ્દે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહેશે.