Accident : બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત

Kawad Yatra Accident: બિહારના ભાગલપુર જિલ્લાના શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે રવિવાર, 3 ઓગસ્ટના રોજ રાત્રે એક પીકઅપ વાન નદીમાં ખાબકતા મોટી દુર્ઘટના બની હતી. આ પીકઅપમાં કાવડ યાત્રાળુઓ મહાદેવને જળાઅભિષેક કરવા જઇ રહ્યાં હતાં. દુર્ઘટનામાં પાંચ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Accident કેવી રીતે બન્યો?
આ દુર્ઘટના રાત્રે 12:15 વાગ્યે મહતો થાન નજીક બની હતી. કાવડિયાઓ સુલતાનગંજમાં પવિત્ર ગંગા સ્નાન કર્યા પછી જ્યેષ્ઠ ગૌરનાથ મંદિરે જળ ચઢાવવા જતા હતાં. તેમણે વાનમાં ડીજે સેટ પણ મૂક્યો હતો.
રસ્તામાં અજવાળું ઓછું હોવાને કારણે પીકઅપ વાન અચાનક નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ શાહકુંડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી.
મૃતકોની ઓળખ અને ડ્રાઈવર ગુમ
મૃતક યાત્રાળુઓમાં સંતોષ કુમાર, મનોજ કુમાર, વિક્રમ કુમાર, રવિશ કુમાર અને અંકુશ કુમારનો સમાવેશ થાય છે. વાનનો ચાલક કયાં ગયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. એવી આશંકા છે કે વાહન ચાલક પણ નદીમાં ફસાઈ ગયો હોય શકે છે. સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા છે.