ગાંધીનગરમાં અકસ્માત બાદ તંત્ર હરકતમાં, દબાણો અને આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી શરૂ

રાજ્યના પાટનગર ગાંધીનગરના રાંદેસણમાં સર્વિસ રોડ પર બનેલા ભયંકર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે.
આ ભયાનક અકસ્માત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. હવે ભાઈજીપુરાથી રક્ષા શક્તિ સર્કલ સુધીના સર્વિસ રોડ પરના દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં દબાણોની સમસ્યા આ વિસ્તારમાં ટીસીએસ રોડથી રિલાયન્સ ચોકડી સુધી અને ત્યાંથી અર્બનિયા મોલ, સરદાર ચોક ગૌરવપથ સહિતના વિસ્તારમાં પણ દબાણોની સમસ્યા છે. ગાંધીનગરમાં મુખ્ય અને સર્વિસ રોડ પર દબાણો મોટી સમસ્યા બની ગયા છે.
આ જગ્યાઓ પર ખાણીપીણીની લારીઓ, નોનવેજની લારીઓ, ચા અને પાનના ગલ્લા ઊભા રહે છે. આના કારણે લોકોના ટોળા ભેગા થાય છે અને વાહનોનું આડેધડ પાર્કિંગ થાય છે. જેના પરિણામે સર્વિસ રોડ પરથી વાહન લઈને નીકળવું મુશ્કેલ બને છે.
અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું રાંદેસણમાં સર્જાયેલા અકસ્માત બાદ મ્યુનિસિપલ તંત્રએ દબાણો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ભાઈજીપુરા સર્કલ વિસ્તાર અકસ્માત ઝોનમાં મૂકવામાં આવ્યો છે.
અહીંના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ થતો નથી. ઘણા વેપારીઓએ પોતાની દુકાનો આગળની જગ્યા ખાણીપીણીની લારીઓને ભાડે આપી છે.