Ahmedabad Civil Hospital : અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની ગુંડાગીરી, ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીને માર માર્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. આરોપ છે કે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટરે મળીને એક દર્દીને માર માર્યો છે.
માહિતી અનુસાર પરાગ પટેલ નામના વ્યક્તિને તાવના ઇલાજ માટે ટ્રોમા સેન્ટરના G-10 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરે તેમને બીજો બેડ લેવા જણાવ્યું, પણ ત્યાં આસપાસ ઝાડા-ઉલટીના દર્દીઓ હોવાને કારણે પરાગે ત્યાં જવાનું નકાર્યું, જેના પરિણામે ડોક્ટરે સુરક્ષા કર્મી બોલાવ્યા.
સિક્યુરિટી ગાર્ડે દર્દીને ધક્કા અને માર માર્યો
ડોક્ટરના ઇશારે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડે પરાગને બીજો બેડ લેવાની જાણ કરી. પરંતુ પરાગના ઇનકાર પર તેને બળજબરીથી અન્ય બેડ તરફ દોરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો.
આ ઘટના પરાગની માતા મનીષા પટેલે આંખે જોઈ. જ્યારે તેમણે પુત્રને મારતાં રોકવાનો પ્રયાસ કર્યો અને મોબાઈલમાં ઘટનાનો વિડિઓ ઉતારવા જઈ રહ્યા હતા, ત્યારે ગાર્ડે તેમનો ફોન પણ છીનવી લીધો.
પોલીસને ફરિયાદ આપવામાં આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનીષા પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેઓએ કહ્યું કે દર્દીઓ પર દાદાગીરીથી વર્તન કરવાનું અને માર મારવાનું કોઈ અધિકાર ધરાવતું નથી.