Ahmedabad Crime | Aslali Police: અમદાવાદ જિલ્લાના અસલાલી વિસ્તારમાં એકતરફી પ્રેમ અને લગ્નની જીદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા યુવકે સોશિયલ મીડિયા પર યુવતીના વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરી તેને ડિજિટલ રીતે બ્લેકમેઇલ કરી હતી.
મળતી માહિતી મુજબ, 22 વર્ષીય યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. બંનેની મુલાકાત એક લગ્ન પ્રસંગ દરમિયાન થઈ હતી, ત્યારબાદ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. આ સમયગાળા દરમિયાન આરોપી યુવતી સાથે સતત સંપર્કમાં રહેતો અને છૂપી રીતે મોબાઈલ ફોન મારફતે વાતચીત કરતો હતો.
પરંતુ પરિવારને આ સંબંધની જાણ થતાં તેમણે કડક વિરોધ કર્યો હતો. પરિવારના દબાણને કારણે યુવતીએ આરોપી સાથે વાતચીત ઘટાડતા જ યોગેશ લગ્ન માટે દબાણ કરવા લાગ્યો. યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરતાં આરોપીએ તેની આબરૂ ખરાબ કરવાની ધમકી આપી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીએ વીડિયો કોલ દરમિયાન યુવતીના વાંધાજનક દ્રશ્યો ગુપ્ત રીતે રેકોર્ડ કર્યા અને બાદમાં સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી ફોટા અને વીડિયો અપલોડ કરી દીધા. આરોપી યુવતીને કહેતો હતો કે, “બદનામી થશે તો તારા પરિવારને મજબૂરીમાં લગ્ન કરાવવા પડશે.”
23 ડિસેમ્બરે વીડિયો વાયરલ થતાં પરિવારને ઘટનાની જાણ થઈ. ગભરાયેલા પરિવારે તાત્કાલિક સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. સાયબર સેલની સલાહ બાદ યુવતીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
યુવતીએ પુરાવા તરીકે પેનડ્રાઈવ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સના સ્ક્રીનશોટ પોલીસને સોંપ્યા છે. પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના દુરુપયોગ અને ડિજિટલ બ્લેકમેઇલિંગ જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની ઓનલાઈન સુરક્ષા અને એકતરફી પ્રેમના જોખમોને ઉજાગર કર્યા છે.


Leave a Comment