અમદાવાદ: શહેરમાં છૂટાછેડાનો એક અનોખો કેસ સામે આવ્યો છે, જ્યાં દંપતી વચ્ચે ડુંગળી અને લસણના સેવન મુદ્દે થતાં સતત ઝઘડાઓ 11 વર્ષના લગ્નજીવનને અંત સુધી લઈ ગયા. આહાર સંબંધિત મતભેદોને પતિએ અસહ્ય ગણાવી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગ્યા, જેને બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખ્યું.
દંપતીના લગ્ન 2002માં થયા હતા. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હોવાથી ડુંગળી-લસણ ખાતી નહોતી, જ્યારે પતિ અને સાસુ પર કોઈ ધાર્મિક પ્રતિબંધ નહોતો. અલગ-અલગ રસોઈ કરવાની ફરજ, ઘરેલું ઝઘડા અને વધતી અણબનાવને કારણે પત્ની બાળક સાથે ઘર છોડી ગઈ.
2013માં પતિએ ‘ક્રૂરતા’ના આધારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માંગ્યા. 8 મે 2024ના રોજ કોર્ટએ તેમના દાવાને માન્યતા આપી છૂટાછેડા મંજૂર કર્યા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો.
પત્નીએ છૂટાછેડા સામે હાઈકોર્ટમાં અપીલ કરી, જ્યારે પતિ ભરણપોષણના આદેશને પડકારતો ગયો. સુનાવણી દરમિયાન પત્નીએ છૂટાછેડા પર વાંધો ન હોવાની વાત કહી, જેના આધારે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી.
પતિએ ખાતરી આપી કે બાકી રહેલી ભરણપોષણની રકમ હપ્તામાં કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવશે. આમ, ડુંગળી-લસણના સરળ લાગતા આહાર મતભેદે આખરે લગ્નજીવનનો અંત લાવ્યો.


Leave a Comment