અમદાવાદ શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઘોડાસર વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વટવામાં કાર વોશ ચલાવતા અઝહરૂદિન સરફુદ્દીન પીંજારાએ પોતે પરિણીત હોવાની હકીકત છુપાવી તેના સાથે સબંધ બાંધ્યા અને લગ્નનું નાટક કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યું.
ઘટના દરમિયાન પીડિતા અને આરોપીની પહેલી મુલાકાત યુનિક જિમમાં થઈ હતી. નિયમિત મુલાકાતો દરમિયાન બંને વચ્ચે મિત્રતા વધી ગઈ અને અઝહરૂદિને પોતે અવિવાહિત હોવાનો ખોટો દાવો કર્યો. સપ્ટેમ્બર 2022માં, પીડિતાની ઓળખીતા નેહા ત્રિવેદીના ઈસનપુર સ્થિત ઘરે આરોપીએ પહેલીવાર મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.
પછી આરોપી મહિલાને અલગ–અલગ બહાનાઓથી એકાંત જગ્યાએ લઈ જઈ વારંવાર શારીરિક સબંધ બાંધતો રહ્યો. વિશ્વાસ વધારવા અને સંબંધને કાયદેસર બનાવવા 18 ફેબ્રુઆરી 2023ના રોજ તેણે જેતલપુરના શિવ મંદિરે સિંદૂર મૂકી હિંદુ વિધિ મુજબ લગ્નનું નાટક કર્યું. આ પછી 2025ના મે મહિના સુધી આરોપીએ આ ઢોંગી લગ્નનો લાભ લઈને સબંધો જાળવી રાખ્યા.
પછી મહિલાને જાણવા મળ્યું કે અઝહરૂદિન પહેલેથી જ પરણીત છે અને તેને ત્રણ સંતાનો પણ છે. પત્ની ગઝાલા વિશેની માહિતી પણ પીડિતાને મળી. જ્યારે મહિલાએ સવાલ કર્યો ત્યારે આરોપીએ સ્વીકાર્યું કે શારીરિક સબંધ માટે જ તેણે ખોટું કહ્યું હતું. વધુમાં, ફરિયાદ મુજબ, આરોપીએ પીડિતાને ધમકી આપી કે જો તે આ બાબત જાહેર કરશે તો એને અને તેના પરિવારને નુકસાન પહોંચાડશે.
આથી વ્યથિત મહિલાએ વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસએ IPC હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત, ધમકી અને શારીરિક શોષણ સહિતના ગુનાઓમાં FIR દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી.


Leave a Comment