Ahmedabad :પાલડીના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી, પુજારી સહિતના આરોપી ફરાર

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી લગભગ 1 કરોડ 64 લાખ રૂપિયાની ચાંદીની ચોરી કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.
દેરાસરમાં પૂજારી તરીકે કાર્યરત મેહુલ રાઠોડે સફાઈ કર્મચારીઓ સાથે મળીને આ ચોરી આચરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ચોરોએ પહેલા CCTV બંધ કરીને ચતુરાઈથી આખો ખેલ પાડ્યો હતો.
- પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મેહુલ રાઠોડ (નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ વાઘરી (હરીચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ ચોરીના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી છે.
ચોરીમાં 117 કિલોગ્રામ વજનનો મુગટ, કુંડળ અને અન્ય ચાંદીના ઘાટ બનાવટના મંદિરના શણગારના દાગીનાની ચોરી થયાની માહિતી મળી છે. આ બધાનું અંદાજિત મૂલ્ય ₹1.64 કરોડ જેટલું થાય છે.
- કેવી રીતે પર્દાફાશ થયો?
ફરિયાદી રાજેશે જણાવ્યું હતું કે, દેરાસરનો પૂજારી હાજર ન હોવાને કારણે શંકા ઉઠી, જેના પગલે તેણે ટ્રસ્ટના અન્ય સભ્યોને જાણ કરી. ટ્રસ્ટીઓ તરત જ દેરાસર ખાતે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
જ્યારે પૂજારી મેહુલ રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો હતો, જેના કારણે શંકા વધુ ગઈ હતી. જે પછી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેહુલ રાઠોડે સફાઈ કર્મચારીઓ કિરણ અને હેતલ સાથે મળી ચોરી કરી અને તમામ આરોપીઓ હાલ ફરાર છે.
- પોલીસ કાર્યવાહી
પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધીને મહત્વની ચોરીના ગુનામાં આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે ચોરીના સ્થળની ચર્ચાસ્પદ ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓના મોબાઇલ ટ્રેકિંગ સહિતના માર્ગો દ્વારા તપાસ આગળ વધારી છે.