Ahmedabad : સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં, વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી

અમદાવાદના બોપલ વિસ્તારની જાણીતી સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ હાલ એક અનોખા અને સંવેદનશીલ વિવાદના કેન્દ્રમાં આવી છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થિનીઓને ફરજિયાત શોર્ટ સ્કર્ટ પહેરવાનું કહી રહ્યા છે અને સ્કર્ટની નીચે લેગિન્સ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ નિયમને કારણે શિક્ષણ જગતમાં ભારે ચર્ચા અને વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલ દ્વારા એવો નિયમ બનાવવો અયોગ્ય અને અસંવેદનશીલ છે. ખાસ કરીને નાની વિદ્યાર્થિનીઓ માટે લેગિન્સ આરામદાયક અને સુરક્ષિત વિકલ્પ છે,
છતાં તેમને સજા કરવાની ધમકી આપવામાં આવી રહી છે. કેટલાક વાલીઓએ આ પગલાને બાળસુરક્ષા વિરુદ્ધ ગણાવીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે “શાળાને લેગિન્સ પહેરવા બદલ સજા કરવાનો અધિકાર કોણે આપ્યો?”
સ્કૂલના યુનિફોર્મમાં કોઈ ફેરફાર થયો નથી
આ વિવાદને કારણે અનેક વાલીઓએ સામૂહિક રીતે આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે અને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. કેટલાક વાલીઓએ તો રાજ્યના શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ વ્યક્ત કરી છે,
જેથી વિદ્યાર્થિનીઓને અન્યાય ન થાય. વિવાદ પર પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતે નિવેદન આપતાં જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી સ્કૂલના યુનિફોર્મમાં કોઈ ફેરફાર થયો નથી. જો વાલીઓ લેખિતમાં લેગિન્સ અંગે વિનંતી કરશે, તો મેનેજમેન્ટ નિર્ણય લેશે. તેમ છતાં,
હાલ સ્કૂલનું માનવું છે કે યુનિફોર્મનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ વિવાદે સ્કૂલના ડ્રેસ કોડ સામે નૈતિકતા, સુરક્ષા અને સંવેદનશીલતાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે.