Ahmedabad : કાલુપુર વિસ્તારમાં જર્જરિત ઈમારત બની જાહેર જાનમાલ માટે જોખમ

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ રાજા પરશોતમની ખડકી વિસ્તારમાં આવેલી એક જૂની ઇમારત હાલમાં ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. આ ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.
ખાસ કરીને આ ઇમારત મેઇન રોડ પર સ્થિત હોવાને કારણે આસપાસના લોકો અને રોજિંદા વાહનચાલકો માટે સતત જોખમ ઊભો થયો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે.
તંત્રને વારંવાર ચેતવણી આપવામાં આવી છે કે જો આ ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. છતાંય, મ્યુનિસિપલ તંત્ર તરફથી માત્ર નોટિસ ચોંટાડવામાં આવી રહી છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.
ઇમારત ધરાશાયી થઈ કોઈ જાનહાની ન સર્જાય
સ્થાનિક લોકોના આક્ષેપ છે કે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તે છે. રસ્તેથી પસાર થતા લોકો, દુકાનદારો અને આસપાસના રહેવાસીઓને સતત ભયનો માહોલ છે કે ક્યારે આ ઇમારત ધરાશાયી થઈ કોઈ જાનહાની ન સર્જાય.
ખાસ કરીને તહેવારોની સિઝન નજીક આવતા આ વિસ્તાર હંમેશા ભીડભર્યો રહે છે, જેના કારણે જોખમ વધુ વધી ગયો છે.
જવાબદારી મ્યુનિસિપલ તંત્ર પર જ આવશે
રહેવાસીઓ અને વેપારીઓએ સ્પષ્ટ માગણી કરી છે કે તંત્ર તરત જ આ જર્જરિત ઇમારતને તોડી પાડે. તેમના મતે, સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે એક ક્ષણની બેદરકારી અનેક જીવ પર ભારે પડી શકે છે.
જો તંત્ર સમયસર પગલા નહીં ભરે તો આ એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, જે માટે જવાબદારી મ્યુનિસિપલ તંત્ર પર જ આવશે.
આ આખી પરિસ્થિતિ દર્શાવે છે કે શહેરમાં જર્જરિત ઇમારતો અંગે તંત્ર દ્વારા લાંબા ગાળાની અને વ્યવસ્થિત કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં.