Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીનો દોર સતત ચાલુ છે. આજે સવારથી જ કુબેરનગર ITI રોડ પર આવેલા બળદેવનગર વિસ્તારમાં સ્થિત કમલ (ઉમલા) તળાવની જમીન પરથી દબાણો દૂર કરવા માટે AMC દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંદાજે 150 જેટલી ગેરકાયદે ઓથરીઓ અને ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉથી દબાણકારોને સરકારી વોટર બોડીની જમીન ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસનો અમલ ન થતા તંત્રે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોના મકાનો તૂટી પડતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અનેક મહિલાઓ અને નાના બાળકો બેઘર થવાની સ્થિતિમાં રડતા નજરે પડ્યા હતા, જેના કારણે વાતાવરણ ભાવુક બની ગયું હતું.
અસરગ્રસ્ત લોકોએ તંત્ર સામે મુખ્યત્વે વૈકલ્પિક આવાસની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે તેઓ સરકારી જમીન ખાલી કરવા તૈયાર છે, પરંતુ સ્થળાંતર માટે કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલી સર્જાઈ છે.
AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના તળાવો અને અન્ય વોટર બોડીની જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએથી સ્પષ્ટ સૂચનાઓ મળી છે. તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા અને શહેરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી અનિવાર્ય બની હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરમાં જ્યાં પણ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો થયેલા હશે, ત્યાં આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


Leave a Comment