Ahmedabad News: શહેરના મેમ્કો ચાર રસ્તા વિસ્તારમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીમાંથી ગંભીર દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા વચ્ચે કેક કાપતા પાંચ યુવકોને સાઇડમાં ખસવા કહેનાર લક્ઝરી બસના ડ્રાઇવર સાથે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં મામલો હિંસક બની ગયો.
મેમ્કોમાં ટ્રાવેલ્સ અને કાર્ગો વ્યવસાય કરતા મહેન્દ્રકુમાર ચૌધરીની લક્ઝરી બસ પસાર થતી હતી ત્યારે ડ્રાઇવરે ટ્રાફિક વ્યવસ્થા માટે યુવકોને રસ્તો ખાલી કરવાની વિનંતી કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા યુવકો ડ્રાઇવર સાથે ઝઘડ્યા હતા. મામલો શાંત કરવા માટે ટ્રાવેલ્સના કર્મચારીને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને બસને ઓફિસ સુધી લાવવામાં આવી હતી.
પરંતુ થોડા સમય બાદ આ પાંચેય યુવકો દાદાગીરીના ઇરાદે ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસી આવ્યા. કોઈ ચર્ચા વિના તેમણે ઓફિસમાં તોડફોડ કરી અને મહેન્દ્રકુમાર ચૌધરી તથા તેમના પુત્ર પર બેરહેમીથી હુમલો કર્યો. સમગ્ર ઘટના ઓફિસના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક આરોપી છરી બતાવીને ધમકી આપતો સ્પષ્ટ જોવા મળે છે.
ઘટનાની જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પીડિત મહેન્દ્રકુમાર ચૌધરીની ફરિયાદના આધારે શહેર કોટડા પોલીસે અમરીશ, રાહુલ, વિવેક અને અન્ય બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાએ અમદાવાદમાં જાહેર માર્ગો પર થતી ગેરકાયદેસર પાર્ટીઓ અને વધતી દાદાગીરી સામે ગંભીર ચિંતા ઊભી કરી છે.


Leave a Comment