Ahmedabad News: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. એક નિર્દય યુવકે જીવતી બિલાડી પર પથ્થરો મારી તેને મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં સહજ હાઇટ્સ નજીક આવેલા કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આ અમાનવીય કૃત્ય આચરાયું હતું. એક્ટિવા પર આવેલા બે યુવકો પાસે એક સફેદ કોથળો હતો, જેમાં જીવતી બિલાડીને કેદ કરવામાં આવી હતી. નજીક રહેતા જાગૃત નાગરિકે શંકા જતા સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી હતી, જે બાદમાં મહત્વનો પુરાવો બન્યો.
વીડિયોમાં દેખાય છે કે આરોપીએ પહેલા બિલાડી ભરેલો કોથળો જમીન પર ફેંક્યો, ત્યારબાદ બહાર નીકળતા જ બિલાડી પર એક પછી એક ભારે પથ્થરો ઝીંક્યા. બિલાડી ગંભીર રીતે ઘાયલ હાલતમાં તરફડતી હોવા છતાં આરોપીએ તેની પર દયા બતાવવાને બદલે પગ નીચે કચડી નાખી. હત્યા બાદ આરોપીએ મૃત બિલાડી સાથે ફોટા પડાવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
આ વીડિયો વાયરલ થતા જ જીવદયા પ્રેમીઓ અને પ્રાણી અધિકાર સંસ્થાઓ વાડજ પોલીસ મથકે પહોંચ્યા હતા. એક્ટિવાના રજીસ્ટ્રેશન નંબર અને વીડિયો ફૂટેજના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ઓળખ કરી ધરપકડ કરી છે.
પોલીસે આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
આ ઘટના સમાજમાં વધતી જતી વિકૃત માનસિકતા માટે ગંભીર ચેતવણીરૂપ બની છે. જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે કે આવા કિસ્સાઓમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મૂંગા પ્રાણીઓ પર હિંસા કરવાથી ડરે.


Leave a Comment