Ahmedabad News: જશોદાનગરમાં AMCની એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો, મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો

જશોદાનગર વિસ્તારમાં આજે એસ્ટેટ વિભાગની ટીમ રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. બાદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જોકે મામલો બિચકતા સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.
જોકે, બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. તેમજ આ દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બે-બે વખત પૈસા લઈ ગયા છો પછી પણ તમે તોડવા માટે આવ્યા છો- સ્થાનિકનો આક્ષેપ
સ્થાનિક વેપારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમે ભાજપને મત આપીને કોંગ્રેસના ગઢને ભાજપનો ગઢ બનાવ્યો છે. હવે તમે વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરો છો. બે-બે લાખ રૂપિયા માંગો છો.
મોટા મોટા અધિકારીઓ પૈસા માંગે છે. ખુલ્લેઆમ અમે કહીએ છીએ કે તમે અમારી પાસેથી લાંચ લીધી છે. બે-બે વખત પૈસા લઈ ગયા છો પછી પણ તમે તોડવા માટે આવ્યા છો. મોટી મોટી બિલ્ડીંગ બની બની રહી છે. જાવ બે નંબરના ધંધા પહેલા બંધ કરાવો.
ગરીબ વેપારી બીચારો પૈસા ક્યાંથી લાવશે. આજે એક વેપારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વેપારી એસોસિયેશન તમામ વેપારીની સાથે છે અને જ્યાં સુધી વેપારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. આજથી આખું જશોદાનગર વેપારીની સાથે છે.