Ahmedabad News: અમદાવાદીઓ સતર્ક રહેજો! સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સાબરમતી નદીમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ વાસણા બેરેજના તમામ 25 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આશરે 64,831 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
ગાંધીનગરના સંત સરોવરમાંથી 96,243 ક્યુસેક પાણીનો નિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે નદીમાં પ્રવાહ અત્યંત ઉગ્ર બન્યો છે. બીજી બાજુ, મહેસાણાના ધરોઈ ડેમમાંથી પણ 52,300 થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું
સાબરમતી નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલ 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે.
સુભાષ બ્રિજ પર વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું
સુભાષ બ્રિજ પર વ્હાઈટ સિગ્નલ આપવામાં આપવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે નદીમાં પાણીનું સ્તર ખતરાના નિશાનાને પાર કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોના સલામત સ્થળે રહેવા અને નદીકાંઠે જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદથી જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈ એલર્ટ હેઠળ છે.