Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો, 55.48 લાખની સોનાની ચેઇન સાથે મુસાફરની અટકાયત

અમદાવાદ એરપોર્ટ પર આજે એટલે કે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ દુબઈથી અમદાવાદ આવેલા મુસાફરને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેના પહેરવેશમાંથી 24 કેરેટ 506.80 ગ્રામ વજનની સોનાની ચેઇન મળી આવી હતી. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચેઈનની કિંમત અંદાજે 55.48 લાખ સુધી થાય છે.
દાણચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલા છે તે પૂછપરછ
આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટમ્સ અધિકારીઓ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ સંડોવાયેલું છે કે કેમ.
3 દિવસ પહેલા પણ સોનાની દાણચોરી પકડાઈ હતી
ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફર પાસેથી 24 કેરેટનું 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આરોપી 24 કેરેટના 152 ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવી આવ્યો હતો. જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી હતી.