Ahmedabad News : અમદાવાદના કુબેરનગરમાં રોડ પર ડાન્સ પાર્ટી, યુવતી સાથે ડાન્સ કરી યુવકે બીભત્સ ચેનચાળા કર્યા

મળતી માહિતી મુજબ આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેરમાં રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે એક યુવતી પણ બીભત્સ ડાન્સ કરતી જોવા મળે છે. જાણે મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર આ ડાન્સ પાર્ટીનું આયોજન થયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
મુકેશ મકવાણા નામના વ્યક્તિએ પોતાના જન્મદિવસની ઉજવણી માટે આ પાર્ટી રાખી હોવાનું કહેવાય રહ્યું છે. વીડિયોમાં ગોલ્ડના દાગીના પહેરેલો મુકેશ મકવાણા ડાન્સ કરી રહ્યો છે.
એટલું જ નહીં, ડાન્સ દરમિયાન મુકેશ અને યુવતી જાહેરમાં બીભત્સ ચેનચાળા અને હરકતો કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જાહેર રસ્તા પર આ પ્રકારે બીભત્સ હરકતો અને નોટો ઉડાવવાના મામલે સરદારનગર પોલીસે ગંભીર નોંધ લીધી છે. પોલીસે આ વીડિયો અંગે વધુ તપાસ શરૂ કરી છે અને વીડિયોમાં દેખાતા તમામ શખ્સો
જેમાં મુકેશ મકવાણા અને ડાન્સ કરી રહેલી યુવતીનો સમાવેશ થાય છે, તેમની શોધખોળ શરૂ કરી છે. જાહેરમાં કાયદાનો ભંગ કરનારા આ શખ્સો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.